Nationality
મહાત્મા ગાંધી
મહાત્મા ગાંધી
મહાત્મા ગાંધી
મોહનદાસ કરમચંદ ગાંધી (ઓક્ટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) , મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો; અને આખરે તેમણે સફળતા મેળવી અને એ સાબિત કરી બતાવ્યું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા, તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે. તેમણે બ્રિટીશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે.
અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઈ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઈ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન(અને સ્કોટલેન્ડ) સુધી સીમિત થઈ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફક્ત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં, પણ જેના રાજ્યનો સૂરજ કદી આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી ગઈ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીજીના સત્યાગ્રહના આદર્શે માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા તેમજ તે પારંપરિક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી માન્યતામાંથી તારવેલા હતા.
મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર (ગુજરાત, ભારત)માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. તેમના વડવાઓ વ્યવસાયે ગાંધી (કરિયાણાનો ધંધો કરતા) હતા, પરંતુ તેમની પહેલાની ત્રણ પેઢીમાં કોઈએ ગાંંધીનો વ્યવસાય કરેલો નહીં અને તેઓ કોઈકને કોઈક રજવાડાના દીવાનપદે રહેલા. મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પણ પોરબંદર સ્ટેટના દીવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દીવાન રહ્યા હતા. વૈષ્ણવ પરંપરા મુજબ ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. હિંદુઓમાં પ્રચલિત બાળવિવાહની પ્રથાને કારણે મોહનદાસના લગ્ન ફક્ત ૧૩ વર્ષની વયે કસ્તુરબા સાથે થયા હતા. મોહનદાસ ગાંધીને ચાર પુત્રો હતા; સૌથી મોટો પુત્ર હરીલાલ(જન્મ સન ૧૮૮૮), ત્યાર બાદ મણીલાલ(જન્મ સન ૧૮૯૨), ત્યારબાદ રામદાસ(જન્મ સન ૧૮૯૭) અને સૌથી નાનો પુત્ર દેવદાસ(જન્મ સન ૧૯૦૦).
તરુણાવસ્થા સુધી ગાંધી એકદમ સામાન્ય વિદ્યાર્થી હતા. શરૂઆતનો અભ્યાસ તેમણે પોરબંદર અને પછી રાજકોટમાં કર્યો હતો. મેટ્રીક્યુલેશનની પરીક્ષા માંડ માંડ પાસ કર્યા પછી સન ૧૮૮૭માં યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજમાં ઊચ્ચ અભ્યાસ અર્થે તેમણે પ્રવેશ લીધો. જો કે ત્યાં તેઓ ઝાઝું ટક્યા નહીં. તેમના ઘણા કુટુંબીઓ ગુજરાતમાં ઊંચા પદ પર નોકરી કરતા હતા. કુટુંબનો આવો મોભો જાળવવા તેઓ બૅરીસ્ટર બને તેવી તેમના કુંટુંબીઓની ઇચ્છા હતી. એવામાં જ તેમને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવાની તક મળી. વળી, ભારતમાં અંગ્રેજોની હકૂમતના કારણે બંધાયેલી તેમની માન્યતા મુજબ તો ઇંગ્લેન્ડ વિચારકો અને કવિઓની ભૂમિ હતી તેમજ તહજીબનું કેન્દ્ર પણ ઇંગ્લેન્ડ જ હતું. આથી તેમણે ઇંગ્લેન્ડ જવાની એ તક ઝડપી લીધી.
![]()
દક્ષિણ આફ્રિકામાં નાગરિક અધિકારો માટેની ચળવળ
સત્યાગ્રહી ગાંધીજી
દક્ષિણ આફ્રિકા ગયેલા ગાંધીજી, શાંત, કંઈક અંશે આત્મવિશ્વાસવિહીન અને જરૂર કરતાં વધુ નમ્ર અને રાજનીતિથી અલિપ્ત હતા. જો કે, કુદરત તેમની આ બધી નબળાઈ ભવિષ્યમાં દૂર કરવાની હતી. દક્ષિણ આફ્રિકામાં તેમનું જીવન સદંતર બદલાઈ જવાનું હતું. દક્ષિણ આફ્રિકામાં બીજા ભારતીયોની જેમ તેમણે પણ ગોરાઓના તિરસ્કાર, દમન અને જુલ્મનો ભોગ બનવું પડતું, જે ભારતના ભાવિ સ્વાતંત્ર્યના મંડાણ કરવાનું હતું. એક દિવસ ડર્બનના ન્યાયાલયના એક ન્યાયાધીશે તેમને ન્યાયાલયમાં તેમની પાઘડી ઉતારવાનું કહ્યું. ગાંધીજીએ પાઘડી ઉતારવાની સાફ ના પાડી અને ન્યાયાલયની બહાર નીકળી ગયા. આ બનાવ પછી એકવાર ગાંધીજી રેલ્વેમાં પ્રથમ વર્ગ (ફર્સ્ટ ક્લાસ)માં પ્રિટોરિયા જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવાં છતાં એક ગોરાએ તેમને ફર્સ્ટ ક્લાસમાંથી ઊતરી થર્ડ ક્લાસના ડબ્બામાં બેસવા કહ્યું. ગાંધીજીએ જ્યારે વિરોધ કર્યો ત્યારે પીટરમેરીટ્ઝબર્ગ સ્ટેશને તેમને ગાડીની બહાર ફેંકી દેવામાં આવ્યા. બાકીની મુસાફરી હવે ગાંધીજીએ સ્ટેઇજ કોચ (નોકરી ધંધા માટે નિયમિત આવજા કરતા યાત્રીઓની સુવિધા માટે ટૂંકા અંતરની ગાડી)માં કરવી પડી. અહીં પણ ગાંધીજીને ફરજ પાડવામાં આવી કે તેઓ પગથિયા પર ઊભા રહીને એક યુરોપિયનને ડબ્બામાં ઊભા રહેવા દે. ગાંધીજીએ જ્યારે ના પાડી ત્યારે તેમને મારવામાં આવ્યા.(એની કિંમત અંગ્રેજોને ખૂબ મોંઘી પડી.) આ પ્રસંગ સિવાય પણ તેમને આ મુસાફરી દરમ્યાન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘણી હોટલમાં તેમને ફક્ત જાતના આધાર પર પ્રવેશબંધી ફરમાવવામાં આવતી. ગાંધીજી અન્ય ભારતીયની જેમ આ બધું સહન કરી શકે તેવા સ્વભાવના નહોતા. પ્રિટોરિયાના તેમના વસવાટ દરમ્યાન તેમણે જાત-પાત, ધર્મ, (શ્યામ) રંગના કારણે દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર થતા અત્યાચારનો તલસ્પર્શી અભ્યાસ કર્યો.
ગાંધીજી કરાર પૂરો થતાં તેમણે ભારત આવવાની તૈયારી કરવા માંડી, પરંતુ તેમના ડર્બન વિદાય સમારંભ દરમ્યાન તેમણે છાપામાં વાંચ્યું કે netalની વિધાનસભા દ્વારા એક ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય મૂળના નાગરિકોનો મતાધિકાર રદ કરવાની દરખાસ્ત હતી. જ્યારે તેમણે સમારંભમાં હાજર રહેલા ભારતીયોનું ધ્યાન આ તરફ દોર્યું તો જવાબ મળ્યો કે કાનૂની નિષ્ણાતના અભાવે આ દરખાસ્તનો વિરોધ કરવું ત્યાંના ભારતીયો માટે શક્ય ન હતું. વળી, ગાંધીજી જો ડર્બનમાં રોકાઈને કાનૂની બાબતો સંભાળે તો ભારતીયો બીજી બધી જવાબદારી સ્વીકારવા તૈયાર હતા. ગાંધીજીએ આ લડાઈ માટે રોકાવાનું નક્કી કર્યું અને માદરે વતન પાછા ફરવાનું મુલતવી રાખ્યું. આમ, ગાંધીજીએ અજાણતાં જ ભવિષ્યની તેમની વતનપરસ્તીની લડતના પાયા નાંખી દીધા, કહો કે તેમને ભવિષ્યના સત્યાગ્રહ માટેની નેટ પ્રેક્ટિસની શરૂઆત કરી. તેમણે સૌ પ્રથમ તો નાતાલ વિધાનસભા તેમજ બ્રિટીશ સરકારને આ ખરડો રોકવા માટે પિટિશન કરી. તેઓ ખરડો પસાર થતો તો ન રોકી શક્યા, પણ ભારતીયોને થતા અન્યાય તરફ ત્યાંની પ્રજા અને સરકારનું ધ્યાન ખેંચવામાં તેમની ઝુંબેશ ખૂબ સફળ રહી. હવે ભારતીયો માટે ગાંધી હીરો બની ગયા અને તેમના ટેકેદારોએ તેમને દક્ષિણ આફ્રિકામાં રોકાઈને ભારતીયોને થતા અન્યાય વિરુદ્ધ લડતનું સુકાન સંભાળવાનો ખૂબ આગ્રહ કર્યો. ભારતીયોની પ્રેમપૂર્વકની જીદ સામે ગાંધીજીએ ઝુકી જવું પડ્યું અને તેઓ ડર્બનમાં રોકાઈ ગયા. સૌ પ્રથમ તો તેમણે (૧૮૯૪માં) નાતાલ ભારતીય કૉંગ્રેસની સ્થાપના કરી અને તેના સ્થાપક મંત્રી બન્યા. આ સંસ્થાના માધ્યમથી તેમણે જુદા જુદા તબક્કામાં વહેંચાયેલા ભારતીયોને એક કર્યા. ભારતીયો પર દક્ષિણ આફ્રિકામાં બ્રિટીશ સરકાર અને ગોરાઓ દ્વારા થતા અન્યાય, દમન અને ઓરમાયા વર્તન બાબતે પુરાવા સહિત કૉંગ્રેસે સખત શબ્દોમાં નિવેદન આપી ગોરાઓને આરોપીના પાંજરામાં ઊભા કરી દીધા. સરકારી સ્થાનો અને પ્રચાર માધ્યમોમાં અનેક સ્થાને બેઠેલા ભારતીયો આ નિવેદનને જનતા સુધી પહોંચાડવામાં સંસ્થાની અનોખી તાકાત બની ગયાં. આ સફળતાએ ભારતીયોનો અને ખાસ તો ગાંધીજીના ઉત્સાહ અને જુસ્સો વધારી દીધા. એક વખત વતન પરત આવવાની તૈયારી કરી ચૂકેલા ગાંધીજી પત્ની કસ્તુરબા અને બાળકોને દક્ષિણ આફ્રિકા લઈ આવવા ૧૮૯૬માં ભારત આવ્યા. ૧૮૯૭ના જાન્યુઆરીમાં ગોરાઓના એક ટોળાએ ગાંધીજી પર હુમલો કરી તેમનો જાન લેવાનો પ્રયત્ન કર્યો ગાંધીજીએ આ હુમલા માટે ટોળાંનાં સભ્યો પર કોર્ટમાં વળતરનો દાવો કરવાની ના પાડી. ભારતીયોના ખૂબ દબાણને ખાળતાંં ગાંધીજીએ કહ્યું કે આમ કરવું તેમના સિદ્ધાંતની વિરુદ્ધ છે.
આ દરમ્યાન દક્ષિણ આફ્રિકામાં જંગ છેડાયો. ગાંધીજીએ એવી દલીલ કરી કે ભારતીયોએ જંગમાં સરકારની પડખે ઉભા રહી દક્ષિણ આફ્રિકાના નાગરિક અધિકારોનો દાવો વધુ મજબૂત કરવો જોઇએ. તેમણે એક એમ્બ્યુલન્સ દળ પણ ઊભું કર્યું, જેમાં ૩૦૦ ભારતીયો માનદ્ અને ૮૦૦ ભારતીયો સવેતન સ્વયંસેવક તરીકે જોડાયા. આમ છતાં યુદ્ધ સમાપ્ત થયા પછી દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની સ્થિતિમાં કંઈ સુધારો ન થયો, ઊલટી પરિસ્થિતિ વધુ ખરાબ બનતી ગઈ. ૧૯૦૬માં ટ્રાન્સવાલ સરકારે એક કાયદો બનાવ્યો જે મુજબ (બ્રિટીશ) કૉલોનીમાં વસતા ભારતીયો માટે પંજીકરણ (રજીસ્ટ્રેશન) ફરજીયાત કરવામાં આવ્યું. સપ્ટેમ્બર ૧૯૦૬માં જોહાનિસબર્ગ ખાતે એક વિરોધ રેલીને સંબોધતા ગાંધીજીએ સૌ પ્રથમવાર સત્યાગ્રહને રસ્તે અહિંસક આંદોલનની જાહેરાત કરી. તેમણે ભારતીયોને નવા કાયદાનો વિરોધ અહિંસક રીતે કરવા અને વિરોધ માટે થતી દરેક સજા સ્વીકારવાની હાકલ કરી. ગાંધીજીથી પ્રભાવિત ભારતીયોએ તેમના આદેશનું અક્ષરશઃ પાલન કર્યું. આ અહિંસક આંદોલન પૂરા સાત વર્ષની મુદત સુધી ચાલ્યું જેમાં હજારો ભારતીયોને જેલ જવું પડ્યું અને ગાંધીજીને તો ઘણી વખત! ઘણા ભારતીયોને પોલીસના લાઠીચાર્જ, માર અને દમનનો શિકાર થવું પડ્યું. કેટલાય નિર્દોષ ભારતીયોએ સરકારી ગોળી ઝીલવી પડી અને તે પણ પંજીકરણ ન કરવા જેવા જુદા જુદા અહિંસક આંદોલન અને અસહકારની લડત માટે. એક તરફ ભારતીયોને દબાવી દેવામાં સરકારને સફળતા મળતી તો બીજી તરફ સરકારની અમાનવીય રીતે ભારતીયોના દમન કરવાની રીત જોઈને દક્ષિણ આફ્રિકી પ્રજાના મનમાં ધીમે ધીમે પણ સરકાર માટે રોષ વધતો જતો હતો. સરકાર તેની જ પ્રજા સામે ગુનેગાર બનીને ઊભી હતી. પોતાની જ પ્રજાના દબાણને વશ થઇને જનરલ ક્રિશ્ચન સ્મટને ફરજ પડી કે તેઓ ગાંધીજીને સમાધાન માટે મંત્રણાના મેજ પર આમંત્રે.
દક્ષિણ આફ્રિકામાં વસવાટ દરમ્યાન ગાંધીજી પર શ્રીમદ્ ભગવદ્ ગીતા અને લિયો ટોલ્સટોયના તત્વજ્ઞાનભર્યા લખાણોનો ખૂબ પ્રભાવ પડ્યો. ખાસ કરીને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોમાંથી પોતાનાં ચિંતન દ્વારા ટોલ્સટોયે તારવેલા સરકાર વગરના શાસનના ખ્યાલની ઊંડી અસર ગાંધીના મન, કર્મ અને વિચારો પર જીવનના અંત પર્યંત જોવા મળે છે. ટોલ્સટોયે ૧૯૦૮માં કટ્ટર ભારતીય રાષ્ટ્રવાદીઓને સંબોધીને લખેલા લેખ Letter to a Hindu[૧]નો ગાંધીજીએ અનુવાદ કર્યો. ૧૯૧૦માં ટોલ્સટોયના મૃત્યુ સુધી ગાંધીજી અને ટોલ્સટોય વચ્ચે પત્રવ્યવહાર નિયમિત ચાલુ રહ્યો. ગાંધીજી ઉપર હેન્રી ડેવિડ થોરોના વિખ્યાત નિબંધ Civil Disobedience (પ્રજાકીય અવજ્ઞા)નો પણ ઊંડો પ્રભાવ દેખાય છે. ઈશ્વરે ગાંધીને જાણે દક્ષિણ આફ્રિકામાં એક સામાજિક-રાજકીય ક્રાંતિકારી બનાવવાની પૂરી વ્યવસ્થા કરી આપી હોય તેમ (સરકાર પરત્વે) પ્રજાકીય અવજ્ઞા અને તેનાં કૌશલ્યો તેમજ અહિંસક સંઘર્ષની સંકલ્પનાઓ ત્યારે જ સૌ પ્રથમવાર વિકસી. ગાંધીજી કદાચ આ ભાગીરથીને ઝીલવા જ જન્મ્યા હતા. પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાંં ગાંધીજીએ તેમનાં આ પ્રયોગની કસોટી પર પાર ઊતરેલા નવા વિચારો સાથે ભારત આવવાનું નક્કી કર્યું.